Wah Gujarat

Gujarat Live Breaking News

Breaking News

રૂમાં આ વર્ષે આયાત વધશે તથા નિકાસ ઘટશે ….

આ વર્ષે કપાસ-રૂનો પાક ઓછો અંદાજાતો થતાં તેના પગલે કપાસિયાના ભાવ ઉપરાંત  કપાસિયા  તેલ તથા કપાસિયા ખોળના ભાવમાં પણ તાજેતરમાં ટૂંકા ગાળામાં   ખાસ્સી ભાવ વૃદ્ધી  જોવા મળી છે. સૌરાષ્ટ્રના  ઉત્પાદક મથકોએ કોટન વોશ્ડના ભાવ તાજેતરમાં  ઉંચકાઈ ૧૦ કિલોના રૂ.૭૦૦ની ઉપર બોલાવા માંડયા છે.  મુંબઈ હાજર બજારમાં  કપાસિયા તેલના ભાવ તાજેતરમાં વધી રૂ.૭૫૫થી ૭૬૦ આસપાસ મૂકાયા છે.

કપાસિયા ખોળના ભાવ પણ આના પગલે  ઉછળી ટનના રૂ.૨૮ હજારની  સપાટીને  તાજેતરમાં  આંબી ગયાના વાવડ હતા.  કપાસ-રૂનો જથ્થો ઘટે ત્યારે તેલ મિલોમાં કપાસિયાનું  પિલાણ  ઘટે છે  અને તેના પગલે ખોળ બજારમાં  કપાસિયા ખોળનો પુરવઠો ઓછો આવે છે તથા ભાવ ઉંચા જતા હોય છે એવું   જાણકારોએ જણાવ્યું હતું.  તાજેતરમાં દેશમાંથી  વિવિધ ખોળોની નિકાસ વધી છે અને તેની હૂંફ પણ કપાસિયા ખોળને  મળતી રહી છે. જોકે કપાસિયા ખોળની વિશેષ નિકાસ થતી નથી.

દરમિયાન, દેશમાં ૨૦૧૮-૧૯ના વર્તમાન રૂ વર્ષમાં રૂનો પાક જે આ પૂર્વે ૩૨૮ લાખ ગાંસડીનો અંદાજવામાં આવ્યો હતો તે પાકનો અંદાજ તાજેતરમાં વધુ આશરે સાત લાખ ગાંસડી ઘટી ૩૨૧ લાખ ગાંસડી આસપાસ આવવાની શક્યતા જાણકારો હવે બતાવતા થયા છે.

કોટન એસોસીએશન ઓફ ઈન્ડિયાના સૂત્રોના જણાવ્યા મુજબ  અગાઉના અંદાજની  સામે હવે ગુજરાતમાં રૂનો  પાક આશરે વધુ લાખ ગાંસડી ઓછો આવવાની શક્યતા છે જ્યારે મહારાષ્ટ્રમાં આ આંકડો આશરે ૮૦ હજાર ગાંસડીનો, તેલંગણામાં ૪ લાખ ગાંસડીનો, આંધ્રમાં એક લાખ ગાંસડીનો તથા કર્ણાટકમાં આશરે ૭૫ હજાર ગાંસડીનો બતાવાયો છે.

જોકે પાછલા અંદાજ સામે તામિલનાડુનો  રૂનો પાક હવે આશરે ૫૦ હજાર ગાંસડી વધુ તથા ઓરિસ્સામાં  આશરે પાંચ હજાર ગાંસડી વધુ આવવાની  શક્યતા બતાવાઈ રહી છે.  એકંદરે  કુલ નવો પાક પાછલા અંદાજથી આશરે સાત લાખ ગાંસડી ઓછો  આવવાનો અંદાજ બતાવાયો છે, આ પૂર્વે આવો  અંદાજો  ૩૨૮ લાખ ગાંસડીનો હતો તે હવે ૩૨૧ લાખનો મૂકાતો થયો છે.

૨૦૧૮-૧૯ની રૂ મોસમમાં હકીકતમાં મોસમના આરંભથી તેજી થવાની રાહ બજારના ખેલાડીઓ જોઈ રહ્યા હતા  અને આવી તેજી થોડી વિલંબ પછી હવે માર્ચ મહિનામાં જોવા મળી છે. દે શમાં રૂની નવી મોસમ ઓકટોબરથી શરૂ થાય છે. ઓકટોબર મહિનામાં  વૈશ્વિક પરિષદ મળી હતી અને એ વખતે  દેશના ઘણા નિકાસકારોએ તેજીનો સંકેત આપતાં ઉંચા ભાવ ક્વોટ કર્યા હતા.

જોકે રૂમાં બજાર ભાવ ઓકટોબરમાં  ઉંચા ગયા પછી નવેમ્બરથી ફેબુ્રઆરી દરમિયાનના ગાળામાં ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા અને હવે  માર્ચમાં  બજારમાં ફરી ચમકારો જોવા મળ્યો છે. ભારતમાં  રૂનો પાક ઓછો આવવાની ગણતરી વચ્ચે વિશ્વ બજારમાં પણ કોટનની બજાર ઊંચી  ગઈ છે. ન્યુયોર્ક વાયદા બજારમાં તાજેતરમાં કોટનના ભાવ ટૂંકા ગાળામાં ખાસ્સા ઉંચા ગયાના વાવડ મળ્યા છે.

દેશમાં આ વર્ષે પાણીની સમસ્યાના પગલે ઘણા વિસ્તારોમાં  ખેડૂતોએ ત્રીજા અને  ચોથા પિકિંગની રાહ જોયા વગર રૂના છોડવાઓ અપરૂટ કર્યાના સમાચાર મળ્યા છે. રૂ વાવેતરના કુલ વિસ્તાર પૈકી ૭૦થી ૮૦ ટકા વિસ્તારમાં  આવી પરિસ્થિતિ જોવા મળી છે.

આ મોસમમાં ઓકટોબર ૨૦૧૮થી માર્ચ ૨૦૧૯ના ૬ મહિનાના ગાળામાં દેશમાં રૂનો કુલ પુરવઠો આશરે  ૨૯૦ લાખ ગાંસડી જેટલો ઉપલબ્ધ  રહ્યો હતો અને આ પૈકી નવા પાકની આવકોનો પુરવઠો આશરે ૨૫૫થી ૨૫૬ લાખ ગાંસડીનો તથા આયાતી માલનો પુરવઠો  આશરે ૬થી ૭ લાખ ગાંસડીનો મનાયો હતો.

error: Content is protected !!