Main Menu

વિધાનસભાનાં કોંગી દાવેદારોની મહેનત પર પાણીઢોળ

અમરેલી, તા. રપ
અમરેલી જિલ્‍લાની વિધાનસભાની પાંચ બેઠકો માટે કોંગ્રેસ પક્ષ ઘ્‍વારા મુરતીયાઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત અમરેલીનાં સરકીટ હાઉસમાં સોમવારે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ નિમણુંક કરેલ પાંચ નિરીક્ષક સ્‍થાનિક કોંગી કાર્યકરો અને આગેવાનો સાથે ચર્ચા કરવાનાં છે.
દરમિયાનમાં આજથી ત્રણ મહિના પહેલા પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઘ્‍વારા જે કોઈ આગેવાનને વિધાનસભા ચૂંટણી માટે દાવેદારી કરવી હોય તેઓને તેમના વિધાનસભા વિસ્‍તારનાં બુથ દીઠ 10 કાર્યકરોનાં નામ અને મોબાઈલ નંબરની યાદી આપવા કહેવામાં આવ્‍યું હતું.
જે અંતર્ગત જિલ્‍લાની પાંચ બેઠકો માટે અંદાજિત પ0 આગેવાનોએ યાદી તૈયાર કરીને પ્રદેશ કોંગ્રેસ સમિતિ સમક્ષ રજુ કરી હતી. જેમાંથી અમુક દાવેદારોએ અન્‍ય દાવેદારે તૈયાર કરેલ યાદીની ફોટો કોપી કરીને યાદી રજુ કરતાં પ્રદેશ કોંગ્રેસ સમિતિને આ બાબતની જાણ થતાં ફોટો કોપી કરેલ તમામ યાદી રદ કરતાં દાવેદારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
બીજી તરફ ગુજરાતમાં ભાજપ પાસેથી સત્તા આંચકી લેવા માટે કોંગી હાઈકમાન્‍ડે ચૂંટણી બુથકાર પ્રશાંત કિશોરની મદદ લીધી હોય આગામી દિવસોમાં સમગ્ર રાજયમાં કોંગી તરફી જબ્‍બરો માહોલ ઉભો કરવા, ઉમેદવારપસંદ કરવા, પ્રચાર અને પ્રસારનું કાર્ય તેજ ગતિએ આગળ વધવાનું હોવાનું જાણવા મળેલ છે.


Source: Amreli News