Wah Gujarat

Gujarat Live Breaking News

બાળકોનો કલરવ

પર્ણનું આલ્બમ(LEAF ALBUM)

બાળકોને ખૂબ મઝા પડે અને કુદરતમાં રસ લેતા થાય તેવી એક પ્રવ્રૂત્તિ આજે અહીં દર્શાવું છું. દાહોદમાં સ્ટેશનરોડ પર આવેલી ઝાલોદરોડ પ્રાથમિક શાળામાં જઇ ધોરણ ૫, ૬ અને ૭ ની વિદ્યાર્થીનીઓને આ પ્રવૃત્તિ કરાવી અને તેમને બહુ જ આનંદ આવ્યો.
(૧)એક સરખા માપના ૨૫-૩૦ ડ્રોઇંગ પેપર લાવવા.તેની ચારે બાજુએ લાઇન દોરી બાઉન્ડ્રી બનાવી દેવી. અને ડ્રોઇંગ પેપર આડું રાખી ઉપરના ભાગમાં શીર્ષક લખવાની જગ્યા બનાવવા આડી લીટી દોરી દેવી.
(૨)મોટા ઝાડના મજબૂત, મોટા પાન પસંદ કરવા અને બે જ પાન તોડવા.મોટા ઝાડ જેવા કે પીપળો, વડ, બદામ, આંબો, આસોપાલવ, જાંબુ, રબર પસંદ કરી શકાય.
(૩)હવે એક પાનને ડ્રોઇંગ પેપર પર મૂકી પાનાની ફરતે પેન્સીલથી બાઉન્ડ્રી દોરી દેવી.પાનની આ પહેલી આકૃતિ થશે.
(૪)હવે પહેલી આકૃતિની બાજુમાં ફરી તે જ રીતે પાનની બીજી આકૃતિ દોરો.
(૫)હવે બીજી આકૄતિની બાજુમાં પાનની ત્રીજી આકૃતિ દોરો.
(૬)હવે પહેલી આકૃતિ પર ફેવીકોલ લગાડીને એક પાન બરાબર ચોંટાડી દો.
(૭)હવે બીજી આક્રૂતિમાં પાનાની બરાબર મધ્યમાં દેખાતી હોય તેવી મુખ્ય નસ(શિરા)પેન્સીલથી દોરો અને તેમાંથી નીકળતા બીજા ફાંટાઓ દોરો. તેમાં પીળી સ્કેચપેન કે પીળી પેન્સીલથી પીળૉ રંગ પૂરો. અને પાનના બાકીના ભાગમાં લીલો રંગ ભરો.જુઓ, તમે ચોંટાડ્યું છે તેવું જ પાન દેખાય છે ને????
(૮)હવે છેલ્લી આકૃતિમાં માત્ર પેન્સીલનો ઉપયોગ કરી પાનની મુખ્ય નસ અને તેમાંથી નીકળતા બારીક ફાંટાઓ પણ દોરો.
(૯)આ રીતે તમારી પાસે પાનનો પરિચય તૈયાર થશે. પણ હજી તો કામ બાકી જ છે.
(૧૦)હવે બીજું પાન હાથમાં લઇ પ્રકાશ સામે ધરો અને જુઓ. તેમાં જાળી જેવી નસો દેખાશે.તેને પાનનું કંકાલતંત્ર કહેવાય.
આપણા શરીરમાં જેમ હાડકાનું બનેલું કંકાલતંત્ર હોય છે જે આપણને ટટાર રાખે છે તેમ પાનમાં પણ આ કંકાલતંત્ર જેવું કામ કરે છે અને પાનને ટટાર રાખે છે. વળી આ બધી નળીઓ કે શિરાઓ ખનીજ ક્ષારો, પાણી અને ખોરાકનું વહન પણ કરે છે. જે નળીઓ ક્ષાર અને પાણીનું વહન કરે તેને જલવાહીની કહેવાય અને જે ખોરાકનું વહન કરે તેને અન્નવાહિની કહેવાય.
આ નળીઓને જ જો જોવી હોય તો તેની ત્રણ રીતો છે. જે નીચે લખી છે. પણ બાળકો, આ રીતોથી પ્રયોગ કરવા તમારે તમારા શિક્ષક કે માતા-પિતાની મદદ લેવી પડશે.
પાનની નળીઓ કે શિરાઓ જોવા માટેની પધ્ધતિ-
(૧)એક જુના માટલા કે નકામા વાસણમાં થોડું ગરમ પાણી ભરો. તેમાં થોડું છાણ નાંખો,થોડી માટી અને થોડું ખાતર નાંખો. કોઇ સળીયા કે લાકડીથી તેને બરાબર હલાવો. હવે તમે પસંદ કરેલા બીજા પાનને આ વાસણના પાણીમાં ડુબાડી દો. વાસણને ૧૦-૧૫ દિવસ મૂકી રાખે. દિવસમાં એક વખત લાકડીથી હળવેથી હલાવજો ખરા.૧૦-૧૫ દિવસ પછી તે પાન સડી જશે અને તેને બહાર કાઢી બારીક બ્રશ ફેરવતા પાનની નળીઓ ચોખ્ખી દેખાશે.
(૨)એક નકામા વાસણમાં અડધું વાસણ ભરાય તેટલું પાણી બહ્રો. તેમાં એક નાની ચમચી બેકીંગ પાવડર અને એક નાની ચમચી સાજીખાર(ખાવાનો સોડા) પાવડર નાંખો. લાકડીથી બરાબર હલાવી તેમાં તમે પસંદ કરેલા પાન ડુબાડી દો. તેને ૫ થી ૮ દિવસ મૂકી રાખો. આ સમય પછી પાનને બહાર કાઢી જોશો તો પાનની નસો ચોખ્ખી દેખાશે.
(૩)એક વસણમાં ઉપર લખ્યું છે તેમ સાજીખાર,બેકીંગ પાવડર નાંખેલું પાણી લઇ તેમાં પાનને ડુબાડી ફાસ્ટ ગેસ પર ઉકાળો. પાન સાવ નરમ ન થાય ત્યાં સુધી ઉકાળો. પછી ધીમા ગેસે તેને ઉકળવા દો. પાનને બહાર કાઢી તેને બ્રશથી સાફ કરી જુઓ.બધી નસો ચોખ્ખી દેખાશે.
બીજી અને ત્રીજી રીતમાં સોડા સાથે કામ કરવાનું હોવાથી હાથ પર પ્લાસ્ટીકનાં મોજા જરૂર પહેરવા અને કોઇ મોટા માણસની હાજરીમાં જ આ પ્રયોગ કરવો.
અહીં નીચે અમે બાળકો પાસે જે કામ કરાવ્યું તેના ફોટા મૂકું છું જેથી તમને ખ્યાલ આવશે.
ડ્રોઇંગ પેપરનાં મથાળે જે પાન લો તેનું નામ લખી દેવું અને નીચે પાનની વિગત લખવી જેમકે.
૧-પાનની દાંડી
૨-પાનનો આકાર
૩-પાનની કિનારી
૪-પાનની સપાટી
૫-પર્ણાગ્ર(પાનનો આગળનો છેડો)
૬-પાનની શિરાઓ-
આપણે પીપળાના પાનની વિગત લખીએ તો આમ લખાય
૧-પાનની દાંડી-સદંડી(પાન દાંડીવાળું છે)
૨-પાનનો આકાર-હ્રદયાકાર(હ્રદય જેવો આકાર)
૩-પાનનૉ કિનારી-સળંગ
૪-પાનની સપાટી-લીસી કે સુંવાળી
૫-પર્ણાગ્ર-લાંબી અને અણીદાર
૬-પાનની શિરાઓ-જાલાકાર(જાળી જેવો આકાર)
આવી રીતે ઘણા બધા મોટા પાન પસંદ કરી ચાર્ટસ બનાવો.
આ તમારું પર્ણનું આલ્બમ(LEAF ALBUM)તૈયાર થયું. દરેક ડ્રોઇંગ પેપેર પર તમારું નામ લખવાનું ન ભૂલતાં
Source: Wah Kids News

error: Content is protected !!