Wah Gujarat

Gujarat Live Breaking News

મેઘધનુષ

વિસરાયેલો સૂર

                     આજે ફાગણ સુદ દસમ

આજનો સુવિચાર:- એકવાર તમે તમારા માટે આદર્શ નક્કી કરો કરો ત્યારબાદ વિચાર, વાણી અન્એ વર્તનમાં સામ્ય રાખો.

હેલ્થ ટીપ્સ:- નાના બાળકને ઝાડા થયાં હોય તો થોડા દૂધમાં જાયફળ ઘસી પીવડાવવાથી ઝાડા તો બંધ થશે અને નિરાંતે ઊંઘી પણ જશે.

    ખેડા જિલ્લાના રઢુ ગામમાં 25/2/1884ના દિવસે રવિશંકર મહારાજનો જન્મ થયો હતો. 1916માં મહાત્મા ગાંધીના સંપર્કમાં આવ્યા બાદ આઝાદીની લડતમાં સક્રિય ભાગ લેવો શરૂ કર્યું. 1920માં સુણાવમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી. 1923માં બોરસદ સત્યાગૃહમાં સક્રિય ભાગ લીધો. 1928માં બારડોલીના સત્યાગૃહમાં તેમની બે વર્ષની કેદ થઈ હતી. આમ અનેક રાષ્ટ્રીયકાર્યો કર્યાં હતાં. 1960માં અલગ ગુજરાત રાજ્યની સ્થાપના તેમના હસ્તે થઈ. આ મૂઠ્ઠી ઉંચેરા માનવીએ 101 વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવી 1984ની 1 જુલાઈએ છેલ્લો શ્વાસ લીધો હતો.

વિસરાઈ ગયેલો સૂર:- પંડિત યશવંતરાય પુરોહિત

     શાસ્ત્રીય સંગીતના તેજસ્વી તારલામાં ગુજરાતી સંગીતજ્ઞ પં. યશવંતરાય પુરોહિતનું નામ મોખરાના કલાકારોમાં ગણાય છે. મન-હૃદયને સ્પર્શી જાય એવી બંદિશોના રચયિતા છે. તેમના શિષ્ય સ્વ. શ્રી વિનાયક વોરાના શબ્દમાં આ કલાકારનો પરિચય મેળવીયે. 3/1/1998ના દિવસે પ્રગટ થયેલો અહેવાલ છે.
 

[મારી મૉડર્ન સ્કૂલનાં સંગીત શિક્ષક હતાં, જોકે મારે નસીબે તેમનું શિક્ષણ ન હતું પરંતુ તેમનો મરણોત્તર રૂપે 1964માં પ્રથમ સંગીતનો સ્કૂલનો ઍવોર્ડ પ્રાપ્ત કરવાનું ભાગ્ય મારા નસીબે હતું. જ્યારે હું એસ.એસ.સી.માં ભણતી હતી.]        

20મી શતાબ્દીમાં શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે કેટલાંક તેજસ્વી તારલામાંના એક તે શ્રી યશવંતરાય પુરોહિત. આ ગાયકના લોહીમાં જ સંગીતના સંસ્કાર હતા. નાનપણથી જ ગાંધીજી અને વિનોબા ભાવેનો પૂરો પ્રભાવ હોવાથી તેમનામાં સંકલ્પબળ અને આત્મસંયમ તેમનામાં સહજ હતાં. મધુરકંઠ અને ભાવુક્તાને કારણે સ્વરોપાસનાથી જે મેળવ્યું તે તેમણે મા શરદાને ચરણે તન, મન, ધનથી સમર્પિત કરી દીધું અને ફક્ત સાધનાનો માર્ગ અપનાવ્યો.

     સંગીતનું પ્રાથમિક શિક્ષણ પૂ. શંકરરાવ વ્યાસ પાસે લીધા બાદ પં. બાળકૃષ્ણ બુવા પાસે કિરાણા ઘરાણાની તાલિમ લીધી. મુલાયમ અને મધુર અવાજને લીધે થોડા જ વખતમાં કિરાણા ઘરાણાના ટોચના ગાયકોમાં તેમનું નામ શામિલ થઈ ગયું. તેમનાં જીવનમાં એક ઉચ્ચ ગાયકનાં ગુણો, યોગ્ય કંઠ, કઠોર સાધના અને ધૈર્ય, વણાઈ ગયાં હતાં અને કુટુંબીજનોનો સાથ હતો.

     તે અરસામાં કૅસેટોનું ચલણ ન હતું તો સી.ડી.નું ક્યાંથી હોય? પણ તેમના મોટાભાઈ તથા ભત્રીજાએ સંગ્રહિત ખજાનો હજીપણ ઉપલબ્ધ છે. તે ખજાનાને આધારે એચ. એમ. વી. ગ્રામોફોન કંપનીએ તેમની એલ. પી. બહાર પાડી [તેમના મૃત્યુ બાદ] અને હવે કૅસેટ પણ બહાર પડી છે.

     શરૂઆતમાં મુંબઈ સ્થિત મૉડર્ન સ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે કામ કર્યું હતું તે દરમિયાન તેમણે અવારનવાર સંગીતનાં કાર્યક્રમ યોજ્યાં હતાં. તેઓ અનોખા પ્રકારની વ્યક્તિ હતા. શિષ્ય પાસે દક્ષિણા રૂપે ન તો પૈસો લીધો કે ન તો અંગત સેવા લીધી, ન ટ્યુશન ફી.

     પંડિતજીને કારુણ્ય રસ વધુ પસંદ હતો. ચંચળ રાગોને પણ તેઓ શાંત અને સૌમ્ય બનાવી દેતાં. ભજન અને સુગમ સંગીત પણ તેઓ હળવી શૈલીમાં રજૂ કરી દેતાં. તેમણે ‘રસરંગ’ ના ઉપનામે શાસ્ત્રીય સંગીતની અનેક સુંદર બંદિશો રચી. ગુજરાત સંસદ સમિતિના અભ્યાસક્રમ માટે અમદાવાદના ગાંધર્વ મહાવિદ્યાલયના આચાર્ય શ્રી રાવજીભાઈ પટેલ સાથે પાઠ્ય પુસ્તકો લખ્યાં હતા.

કદાચ તેમની પ્રગતિ અને ગૌરવ કુદરતને મંજૂર નહી હોય તેમ 3/1/1964માં તેમનું અકાળે અવસાન થયું હતું. તેમનાં સ્મરણ રૂપે તેમના જન્મસ્થળ ભાવનગરમાં ‘પંડિત યશવંતરાય પુરોહિત સભાગૃહ’ની સ્થાપના કરાઈ. દર વર્ષે મુંબઈનું વિલેપાર્લે મ્યુઝિક સર્કલ પૂ. યશવંતરાય પુરોહિત ટ્રોફી શાસ્ત્રીય સંગીત હરીફાઈના વિજેતાને અર્પે છે. તેમનું જીવન તેમની સંગીતકલા આગામી પેઢીને પ્રેરણારૂપ બને એવી શુભાકાંક્ષા.    —— સંકલિત


                              ૐ નમઃ શિવાયSource: મેઘધનુષ

error: Content is protected !!