Wah Gujarat

Gujarat Live Breaking News

મેઘધનુષ

મહાલક્ષ્મીમાતાનું મંદિર

         આસો સુદ ચોથ [આજે કુષ્માંડામાનું પૂજન,જેમણે બ્રહ્માંડની રચના કરી]

આજનો સુવિચાર:- પુસ્તકોનું મૂલ્ય રતો કરતાં વધુ હોય છે જે માનવનાં અંતઃકરણને ઉજ્જ્વળ બનાવે છે. –ગાંધીજી

હેલ્થ ટીપ્સ:- પેટ સાફ ન આવતું હોય તો કાળી દ્રાક્ષ [કીસમીસ]ને ચાવીને ખાવાથી ફાયદો થાય છે.

                                    મહાલક્ષ્મીમાતાનું મંદિર


          તળ મુંબઈ ભુલાભાઈ દેસાઈ રૉડ પર સ્થિત ‘મહાલક્ષ્મી’ માતાજીનું મંદિર ખૂબ પ્રખ્યાત છે. ખૂબ સુંદર મંદિર બનાવ્યું છે. લગભગ ઈ.સ.1785ના વર્ષમાં ‘પાઠારે પ્રભુ’ નામના ચીફ ઍંજિનીયરે બનાવ્યું હતું.

        ઈતિહાસ પ્રમાણે મુંબઈને માનવ રચિત બંદર બનાવવા માટે વર્લીના કિનારા પર દરિયાઈ મોજાથી થતા નુકશાનને અટકાવવા દિવાલ બનાવવાની હતી. પરંતુ કોઈપણ કારણોસર આ દિવાલ બે વખત પડી ગઈ. એક રાતે અહીંના ચીફ ઍંજિનીયરને માતાજી સપનામાં આવ્યા અને એમની મૂર્તી વર્લીનાં દરિયામાંથી કાઢવા કહ્યું. આમ દરિયામાં શોધખોળ કર્યા બાદ મહાલક્ષ્મી માની મૂર્તિ મળી આવી અને ત્યારબાદ આ દિવાલ કદી પડી નથી. આ મૂર્તિ મળવાથી ‘પાઠારે પ્રભુ’ અહીં મહાલક્ષ્મી માનું મંદિર બનાવ્યું. અવારનવાર આ મંદિરનો જિર્ણોદ્ધાર કરવામાં આવે છે.

         મને યાદ આવે છે કે હું જ્યારે નાની હતી ત્યારે મારા બાપુજી અમને [ભાઈ બહેનોને] અહીં મગની દાળનાં વડા ખાવા લઈ આવતાં પડિયામાં વડા સાથે આમલીની મીઠી ચટણી પણ હોય. હજી એ દિવસો યાદ કરીને મોંમા પાણી આવે છે. મંદિરના પાછળનાં ભાગમાં નીચે ઉતરીને દરિયા કિનારે જવાતું હતું, મોટા મોટા પથ્થરો પર બેસીને આ વડા ખાવાની અનેરી મઝા આવતી હવે તો દુકાનો અને હૉટલો થઈ ગઈ છે.

           મંદિરના પરિસરમાં શેરડીનો રસ કાઢવાના સંચાની સાથે બાંધેલા ઘુઘરાનો મીઠો અવાજ અને રસ પીવા આમંત્રિત કરતા ગામઠી માણસોની મીઠી લહેકભર્યા ગીતો યાદ આવે છે. જોકે હજીપણ બેઠા હોય છે પણ એ દિવસોની મઝા કંઈક ઑર જ હતી. દિવાળીના દિવસે ચોપડા પૂજન કર્યાં બાદ માતાજીનાં દર્શન કરવા ચણિયા ચોળી પહેરી ઘોડાગાડીમાં બેસી મંદિરે જતાં. હવે તો એટલી બધી ભીડ હોય છે કે કલાકોના કલાકો લાઈનમાં ઊભા રહો તો પણ એટલી મિનિટો માટે દર્શન કરવાનો લ્હાવો નથી મળતો.

      મંદિરના પરિસરમાં પ્રસાદ,મીઠાઈ વેંચવા દુકાનો હોય છે. ફૂલવાળાઓ [મોટેભાગે બહેનો જ ફૂલ વેંચવા બેઠી હોય છે.]ની દુકાન છે. જેમાં પ્રસાદ [સાકરિયા], નાળિયેર, માતાજીને ચઢાવવા માટે ચુંદડી, ફૂલ હાર, કંકુ ચોખા અબીલ ગુલાલ અગરબત્તી વગેરે પૂજાનો સામાન મળતો હોય છે. પહેલા તો દરેક પગથિયે ભીખ માંગણિયા બેસી રહેતા હતા. પરંતુ હવે ઓછા થઈ ગયા છે. પરંતુ બાવાજીઓ કે નાગપંચમી વખતે નાગને દૂધ પીવડાવવાને બહાને મદારીઓ બેસતા હોય છે.

           ઈંસ્ટંટ ફોટો પાડવાવાળાની દુકાનો પણ છે. અમે નાના હતાં ત્યારે મોટરમાં બેસીને ફોટો પડાવતાં. એમાં પણ આ નવરાત્રીનાં દિવસોમાં મેળો ભરાતો હોય છે. ઉપરોક્ત બધુ હાજર હોય છે પણ તે ઉપરાંત જાયંટ વ્હીલ, મેરિગો રાઉંડ વગેરે નાના બાળકોને ગમતી રમતો ,પીપુડા તેમજ ફુગ્ગા વેંચવાવાળા બધા હાજર હોય.

      આમ દશેરા સુધી મહાલક્ષ્મીમાતાનાં મંદિરમાં દર્શન સાથે મેળો ભરાતો હોય છે. દિકરાઓ નાના હતાં ત્યારે તેઓને અહીં લઈને આવીને ખૂબ આનંદ મેળવ્યો હતો. હવે તો મારે માટે ‘વો દિન યાદ કરો’.

                                        જય માતાજી જય ભવાનીSource: મેઘધનુષ

error: Content is protected !!