Wah Gujarat

Gujarat Live Breaking News

મેઘધનુષ

મહાપ્રભુજીની બેઠકજી [2]

                              આજે કારતક વદ તેરસ

આજનો સુવિચાર:- સાચી મૈત્રી સુખનો ગુણાકાર અને દુઃખનો ભાગાકાર.

હેલ્થ ટીપ:- મોંમાંથી આવતી વાસ દૂર કરવા તુલસીનાં સાફ કરેલા ત્રણથી ચાર પાન ચાવી તેનો રસ ગળી જાઓ. દિવસના ચાર થી પાંચ વખત તુલસીનાં પાન ચાવી જાઓ. – લાભશંકર ઠાકર

શ્રીજીબાવા

શ્રીજીબાવા

 

                                મહાપ્રભુજીની બેઠકજી [2]

4] લક્ષ્મ્ણબાલાજીનાં બેઠકજી

     આંધ્રપ્રદેશના રાનીગુંટા જિલ્લામાં તિરુમલાઈ નામના ગામમાં શ્રી તિરુપતિ બાલાજી બિરાજમાન છે. તેલુગુ ભાષામાં થિરુ એટલે શ્રી લક્ષ્મીજી અને થિરુપતિ એટલે લક્ષ્મીપતિ અર્થાત શ્રી વિષ્ણુ ભગવાન. અહીંનાં મંદિર પાસે પુષ્કર નામનો કુંડ આવેલો હતો જે સ્થાન અત્યારના નામશેષ બની ગયું છે, અહીં શ્રી મહાપ્રભુજી પધાર્યા હતા. કુંડ પાસે આવેલા છોંકર નામના વૃક્ષ નીચે આપશ્રી બિરાજ્યા હતા. આપશ્રીએ અહીં એક સપ્તાહનું ભાગવત પારાયણ કર્યું. આજે પણ આ સ્થાને આપશ્રીનાં બેઠકજી બિરાજે છે.

5] શ્રી વિષ્ણુકાંચીનાં બેઠકજી

     દક્ષિણમાં કાંચીવરમ નામે શહેર છે જે બે વિભાગમાં વહેંચાયું છે.એક શિવકાંચીને નામે ઓળખાય છે જેમાં મહાદેવજીના મંદિરો વિશેષ છે. અને બીજુ વિષ્ણુકાંચી તરીકે ઓળખાય છે. અહીંના મુખ્ય દેવ વિષ્ણુ સ્વરૂપ શ્રી વરદરાજસ્વામી બિરાજમાન છે. કહેવાય છે કે ભારતની સાડાત્રણ વિષ્ણુ નગરીઓમાં મથુરા, અયોધ્યા, દ્વારિકા અને અડધી નગરી એટલે વિષ્ણુકાંચીનો સમાવેશ થાય છે. શિવકાંચીના અધિષ્ઠાતા દેવ શ્રી એકાંબરેશ્વરજીને આપ નમન કરીને આપશ્રી વિષ્ણુકાંચી પધાર્યા. શ્રી વરદરાજજીની આજ્ઞાથી આપે પોતાના હસ્તે ભગવાનને શૃંગાર કર્યો. અને પોતાનાં બેઠકજી પર પાછા ફર્યા. અહીં આપએ સાત દિવસનું પારાયણ કર્યું. આ સ્થાન પર આપશ્રીનાં બેઠકજી આજે પ્રગટ બિરાજે છે.

6] શ્રી રંગજીનાં બેઠકજી:.

        શ્રીમદ મહાપ્રભુજી વિષ્ણુકાંચીથી દક્ષિણના દ્વારિકા તરીકે પ્રસિદ્ધ શ્રીરંગ પધાર્યા. કાવેરી નદીની બાજુમાં આવેલા આ શહેરમાં શ્રીરંગજી ભગવાનનું વિશાળ મંદિર આવેલું છે. આપશ્રી છોંકરના વૃક્ષ નીચે બિરાજમાન થયા. શ્રીરંગજીની આજ્ઞાથી આપ મંદિરમાં પધાર્યા હતા. ત્યાના માયાવાદી પંડિતો સાથે શાસ્ત્રોક્ત ચર્ચાઓ કરી તેઓને નિરુત્તર કર્યા. આપશ્રીએ અહીં ભાગવત પારાયણ કર્યુ. આ સ્થાનનાં આપના બેઠકજી ગુપ્ત રીતે બિરાજે છે. મદુરાઈથી આપ શ્રી રામેશ્વર પધાર્યા.

7] શ્રી રામેશ્વરનાં બેઠકજી:-

       બંગાળના ઉપસાગરના કિનારે આવેલું શ્રી રામેશ્વર ચાર મુખ્ય ધામ પૈકી એક છે. શ્રી રામજીએ રાવણના આચાર્યપદે શ્રી રામેશ્વર મહાદેવજીના સ્વયંભૂ લિંગની પ્રતિષ્ઠા કરી હતી. શ્રી મહાપ્રભુજીએ આ સ્થાન પર આવેલા શ્રીરામકુંડ પર શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું હતુ પરંતુ ત્યાં બેઠકજી પ્રગટ બિરાજતા નથી. રામેશ્વરથી આપ રામનાડ ગામ પધાર્યા જ્યાં દર્ભશયન અને અનંતશયન પ્રભુના તીર્થધામો આવેલા છે.

8] શ્રી દર્ભશયનનાં બેઠકજી:-

     રામેશ્વરથી ત્રિચિનાપલ્લી જતાં રામનાડ નામે સ્ટેશન આવે છે. ત્યાંથી સાડાપાંચ માઈલ દૂર આદિસેતુ નામે તીર્થસ્થાન આવેલું છે ત્યાં શ્રી દર્ભશયનજીનું સ્થાન છે. આપશ્રીએ અહીં એક સપ્તાહનું ભાગવત પારાયન કર્યું હતુ. અહીં ના શ્રી બેઠકજી ગુપ્ત છે.

9] શ્રી તામ્રપર્ણી નદી પરનાં બેઠકજી:-

         ત્રિચિનાપલ્લી અને મદુરાઈ વચ્ચે તિનેવેલી નામનું ગામ આવેલું છે એ ગામ પાસે તામ્રવર્ણી નદી વહે છે. અહીં શ્રીમહાપ્રભુજી બિરાજ્યા હતા. આબેઠકજી ગુપ્ત બિરાજે છે.

10] શ્રી ત્રિલોકભાનજીનાં બેઠકજી:-

     શ્રી ત્રિલોકભાનજી તીર્થમાં વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજીએ મુકામ કર્યો. અહીંના માયાવાદી બ્રાહ્મણોને શાસ્ત્રચર્ચામાં નિરુત્તર કરી આપે ભક્તિમાર્ગનું સ્થાપન કર્યું. સૌને તુલસીની કંઠી આપી. આપે “ૐ નમો ભગવતે વાસુદેવાય”નો અષ્ટાક્ષરી મંત્ર આપ્યો. અહીં આપે સાત દિવસ ભાગવત પારાયણ કર્યુ.

[વધુ આવતે અંકે……]

                                                 જય શ્રી કૃષ્ણSource: મેઘધનુષ

error: Content is protected !!