Wah Gujarat

Gujarat Live Breaking News

મેઘધનુષ

સંદેશ દ્વારા લેવાયેલી બ્લોગર્સની નોંધ

                                         આજે વૈશાખ વદ દસમ

આજનો સુવિચાર:- જીવન આપણે ધારીએ છીએ એટલું દુઃખમય નથી, પણ આપણે   ધારીએ એટલું એને સુખમય જરૂરથી બનાવી શકીએ.          — પ્રણવાનંદજી

હેલ્થ ટીપ:- ઉનાળાની ગરમીમાં કફ શરદી ખૂબ સામાન્ય થયું છે.
 6 થી 7 મરીનો ભૂકો કરી એક કપ પાણીમાં ધીમા તાપે ઉકાળવા મૂકો. 1/2 કપ પાણી રહે તેમાં 5 થી 6 ગાંગડા મીસરીના ભેળવી ગરમ ગરમ પી જાઓ.

સંદેશ દ્વારા લેવાયેલી બ્લોગર્સની નોંધ  


ગુજરાત એ ભારતમાં સૌથી વિકસિત રાજ્યોમાં અગ્રેસર છે એ વાત તો હવે સૌ કોઇ જાણે છે. ગુજરાતનો વિકાસદર, ગુજરાતીઓનો વિકાસપ્રેમ એ પણ હવે જગજાહેર બાબતો બની ગઇ છે. પરંતુ ગુજરાતી જણ એટલે અટક્યો નથી. પોતાના જ્ઞાાન, માતૃભાષા અને માતૃભૂમિ પ્રત્યેના પ્રેમને કારણે હવે એ અનિવાર્ય એવી ઇન્ટરનેટની દુનિયા તરફ વળ્યો છે. જોકે, સાચી રીતે કહેવું હોય તો વળ્યો છે ને બદલે ઇન્ટરનેટની દુનિયાને ઘૂમી વળ્યો છે એમ કહેવું જોઇએ.

અને ઇન્ટરનેટ ઉપર પોતાની વાત રજૂ કરવાનું સૌથી સબળ અને અસરકારક માધ્યમ બની રહ્યું છે, બ્લોગ. સ્લમડોગ મિલનિયોરની ચર્ચા કરતો અમિતાભનો બ્લોગ હોય કે કોલકતા નાઇટ રાઇડર્સની અંદરની વાતો લિકેઝ કરતો અજ્ઞાાત બ્લોગ હોય, બ્લોગના માધ્યમથી પોતાની વાત જાહેરમાં મૂકવાનું વલણ હવે સેલિબ્રિટી સહિત સામાન્ય માણસોમાં પણ વધી રહ્યું છે.

પરંતુ આપણે તો વાત કરવી છે, ગુજરાતી ભાષા વિશેના બ્લોગસ્ની.

એક સાદી ગણતરી મુજબ વર્ષ ૧૯૯૬ સુધીમાં ગુજરાતી ભાષામાં લખાતાં કે ગુજરાતી ભાષાની ચર્ચા કરતાં બે કે ત્રણ બ્લોગ ઇન્ટરનેટ ઉપર અસ્તિત્વ ધરાવતાં હતાં. જેની સંખ્યા વર્ષ ૨૦૦૨માં વધીને પચીસ થઇ અને વર્ષ ૨૦૦૬માં લગભગ ૧૩૦. આજે વાત કરવી હોય તો આ સંખ્યાનો અંદાજ, બ્લોગર વિજય શાહના મતે, ૪૦૦ ઉપરાંત હશે!

આમાંથી મોટાભાગના બ્લોગનું કામ એક જ છે અને એ છે ગુજરાતી ભાષા સાચવવાનું. જો આવા બ્લોગને એક સંસ્થા તરીકે સ્વીકારીએ તો એના માધ્યમથી ભાષાનું કામ કરી રહેલા વ્યક્તિઓને ‘સેવાના ભેખધારી’ એટલેકે ‘સ્વયંસેવક’ જ ગણવા પડે. મોટાભાગે આ લોકો ગુજરાતી ભાષાને સાચવવાનું જ કામ કરે છે. એમને પોતાને વાંચતા-વાંચતા ક્યાંકથી ગમેલું કે ક્યારેક પોતે રચેલું સાહિત્ય બ્લોગ ઉપર મૂકાય છે. હા, એમાં એક જોખમ રહેતું કે બીજાની રચના તફડાવીને પોતાને નામે ચઢાવી રજૂ કરનારા મોટી સંખ્યામાં દેખાતા. પરંતુ તકનીકના વિકાસ સાથે આ સંખ્યામાં ઘણો મોટો ઘટાડો નોંધાયો છે.

નવી પેઢી અને જૂની પેઢી વચ્ચેની ખાઇ દૂર કરવા સાથે સારી રચનાઓને લોકભોગ્ય બનાવવા સાથે આગામી પેઢીમાં ભાષા સંસ્કાર દૃઢ કરવા મથતાં લોકો આ સ્વયંસેવી કાર્યમાં રોકાયેલા છે. અને એ પણ કોઇ પણ પ્રકારના પારિશ્રમિકની અપેક્ષા વિના કલાકો સુધી, નિઃસ્વાર્થભાવે.

નવી અને જૂની પેઢી વચ્ચે સંબંધનો બંધ વધુ મજબૂત કરવાના ધ્યેયથી મંડેલા બ્લોગમાં કેટલાંક પ્રતિનિધિ નામ લેવા હોય તો મોના નાયકનો ઉર્િમસાગર, જયશ્રી ભક્તાનો ટહુકો, ચેતન ફ્રેમવાલા-મંથન ભાવસાર-ચેતનાબેન શાહનો ધબકાર અને નીલમ દોશીના પરમ ઉજાસનું સ્થાન મોખરે છે. તો ગુજરાતી ભાષાની યથાયોગ્ય જાળવણી માટે સૌથી મોખરે છે, મૃગેશ શાહનું રીડ ગુજરાતી. સાથે છે ધવલ શાહ અને વિવેક ટેલરના લયસ્તરો પણ ખરું. તો પોતાના અનુભવો વિશે, પોતાના લેખન વિશે ઘણાં બ્લોગ છે. એમાં કાવ્ય પદાર્થ વિશેના બ્લોગમાં વિવેક ટેલરનો શબ્દો છે શ્વાસ મારા,  હેમંત પુણેકરના હેમ કાવ્યો,મહેશ રાવળનું નવેસર, દેવિકાબેન ધ્રુવ-ધીરુભાઇ શાહ-ગીરીશ દેસાઇ-પ્રવીણ કડકીયાની ગુજરાતી સાહિત્ય સરિતા આવે. તો પદ્ય માટે વિજયનું ચિંતન જગત, જે.ડી. પટેલનું વેબ પુસ્તકાલય, નીલા કડકીયાનું મેઘધનુષ ગણી શકાય. એ સિવાય ઉંઝા જોડણીમાં પણ સુરેશ જાની, જુગલકિશોર વ્યાસ, ઉત્તમ ગજ્જર અને ચિરાગ પટેલ જેવા બ્લોગિંગ કરતાં રહે છે.

મજાની વાત તો એ છે કે પ્રયોગાત્મક અભિગમ ધરાવતા કેટલાંક બ્લોગ દ્વારા ઘણાં લેખકો દ્વારા લખાતી સહિયારી નવલકથા-લઘુનવલકથા, શબ્દારંભે એક જ નક્કી અક્ષરની અંતાક્ષરી જેવા તો કંઇકેટલાય પ્રયોગો થયાં અને પ્રમાણમાં સફળ પણ રહ્યાં. આ અને આવી અનેક પ્રવૃત્તિઓ ઇન્ટરનેટના માધ્યમથી થઇ રહી છે. એક રીતે જોઇએ તો આ યાદી બિલકુલ અપૂર્ણ છે. એ પરિપૂર્ણ હોવાનો કોઇ દાવો નથી. ઇન્ટરનેટ ઉપરના ગુજરાતી રંગના કૂંડામાંથી આ તો માત્ર થોડાં ચટકાં છે. થોડાંમાં ઘન્નુ સમજો સાહેબજી!

છેલ્લે એક આખરી વાત. આવા નિઃસ્વાર્થ સેવાના ભેખધારી બ્લોગર્સ માટે શું કરી શકાય ? તો એક સાદો ઉપાય છે, એમના બ્લોગ ઉપરથી કોઇ મજાની વિગતને ક્યાંક જરા જેટલું પણ સ્થાન ક્રેડીટ સાથે આપી શકાય તો આપી છૂટવું જોઇએ, ‘સંદેશ’ એની અર્ધસાપ્તાહિક ર્પૂિતમાં આપે છે એમ જ.

http://www.sandesh.com/sandesh_article.aspx?

Courtesy: Sandesh 16/th May 2009

આનો શ્રેય શ્રી વિજયભાઈ આપવો ઘટે.

આભાર વિજયભાઈ

                                                ૐ નમઃ શિવાયSource: મેઘધનુષ

error: Content is protected !!