સાંધ્યકાળ :: રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
અજવાળું પણ નથી અને અંધાર પણ નથી,
સંન્યાસ પણ નથી અને સંસાર પણ નથી.
કૈં પણ નથી અસાર, કશો સાર પણ નથી,
ઇચ્છાના કેન્દ્રમાંય નથી બહાર પણ નથી.
શબ્દો વગરનું સુઝી રહ્યું છે બધેબધું,
સમજી શકું હું એવો સમજદાર પણ નથી.
સાબિત કરું તો કઇ રીતે ? કેવળ છે પ્રતીતિ,
આધાર પણ નથી, હું નિરાધાર પણ નથી.
શું જાગવું ? શું સુવું ? અજબ સંધ્યાકાળ આ,
કે કોઇ પણ તરફનો તરફદાર પણ નથી.
ચાલી રહી છે જોશમાં તૈયારીઓ સતત,
મન છે કે કશું માનવા તૈયાર પણ નથી.
Source: અમીઝરણું
« વ્યહવાર છે (Previous News)
(Next News) દોરાયલી રેખા મહીં—મુહમ્મદઅલી વફા »