Wah Gujarat

Gujarat Live Breaking News

અમરેલી સમાચાર

આપણી સુવિધાઓ માટે પોતાનો જીવ હથેળીમાં રાખી કામ કરતાં અન્‍યોનાં યોગદાનને પણ સમાજે યાદ રાખવા જોઈએ

સરહદ પરનાં જવાનોનું બલિદાન કયારેય ભૂલી ન શકાય

આપણી સુવિધાઓ માટે પોતાનો જીવ હથેળીમાં રાખી કામ કરતાં અન્‍યોનાં યોગદાનને પણ સમાજે યાદ રાખવા જોઈએ

ભાજપનાં અગ્રણી ડો. ભરત કાનાબારે ગુમનામ દેશસેવકોને પણ યાદ કર્યા

અમરેલી, તા.19

પુલવામાની આતંકી ઘટનાએ સમગ્ર દેશનેહચમચાવી નાખ્‍યો છે. રાષ્‍ટ્રના ચેતાતંત્ર પરના આ કુઠરાઘાતથી સમગ્ર દેશમાં આક્રોશ અને શોકની લાગણીના પુર ઉમટયા છે. મહાનગરોથી લઈ નાના નાના ગામડાઓ અને કસ્‍બાઓમાં શહીદોને શ્રઘ્‍ધાંજલી આપવા થઈ રહેલ શોક સભાઓ, પ્રાર્થના સભાઓ તથા કેન્‍ડલ માર્ચના કાર્યક્રમોના સમાચાર દેશના ખુણે ખુણેથી ઠલવાય રહયા છે. શહીદ થયેલના પરિવારોની વહારે આવવાની નીધિઓ છલકાય રહી છે. મોટા ઉદ્યોગપતિ અને ધનપતિઓથી લઈ, સામાજીક સંસ્‍થાઓ અને ધાર્મિક સંસ્‍થાઓ ઉદાર હાથે પોતાનો ફાળો નોંધાવી રહયા છે. અમરેલી જીલ્‍લાના ચિતલ જેવા નાના ગામમાં શહીદોના ફંડમાં કપાસ વીણતી શ્રમજીવી મહિલાઓ 300 રૂા. નો ફાળો આપ્‍યો. એ ઘટના જ પ્રતિપાદિત કરે છે કે શહીદોની શહાદત એળે જશે નહીં. સંવેદનોના આ પુરે ધર્મ, જ્ઞાતિ-જાતિ, પ્રાંત તથા ભાષાના ભેદભાવના વાડાઓને ઓગાળી નાખ્‍યા છે. મોબાઈલ અને અન્‍ય ટેકનોલોજીને કારણે એકલો અટુલો અને સંવેદનહીન દેખાતો વર્તમાન યુગનો માનવી તળિયે તો હજુ પણ એવોને એવો ભીનો છે તેનો સુખદ અહેસાસ પુલાવામાની ઘટના બાદની નાગરિકોની વ્‍યાપક પ્રતિક્રિયાથી થયો છે.

સૈનિકોના બલિદાનને કોઈપણ રાષ્‍ટ્ર ભુલી શકે નહિં પણ સાથે સાથે આપણી રોજબરોજની જીંદગીમાં આપણી સુવિધાઓ અને સવલતો માટે અનેક લોકો આપણાં માટે પોતાનો જીવજોખમમાં મુકતા હોય છે તેને પણ યાદ કરવા ઘટે. એવા લોકો કે જેમને તેમની રૂટિન ફરજો બજાવવામાં અનેક જોખમોનો સામનો કરવો પડતો હોય છે અને ઘણીવાર જીંદગીથી હાથ ધોવાનો વારો પણ આવતો હોય છે, તેમને આપણે ભભસરહદની અંદરના શહીદોભભ કહી શકીએ. આ રહયા આવા કેટલાંક સરહદની અંદરના શહીદો…

આપણી ભુગર્ભ ગટરો અને સેપ્‍ટીક ટેંકો બ્‍લોક થાય ત્‍યારે તેને સાફ કરવા અંદર ઉતરતા સફાઈ કર્મચારીઓની કામગીરી ખુબજ કપરી અને જોખમોથી ભરેલી છે. તેમાં સફાઈ કરનાર યુવાનોના મોત થવાની અનેક ઘટનાઓ આપણે વારતહેવારે સમાચારોમાં વાંચતા હોય છે. ફરજ દરમ્‍યાન મૃત્‍યુ પામતા આ સફાઈ કર્મચારીઓના બલિદાનનું મૂલ્‍ય જરા પણ ઓછું આંકી શકાય નહીં.

વીજળીની 400 કેવી.ની લાઈનો પર કામ કરતાં કે વીજ પુરવઠો ખોરવાય જાય ત્‍યારે ચાલું લાઈને રીપેરીંગ કરતાં વીજકર્મચારીઓનું કામ આવા જ જોખમોથી ભરેલું છે. આવા વીજ કર્મચારીઓનું ફરજ દરમિયાન વીજ શોકથી થતું મૃત્‍યુ જવાનોની શહીદીથી જરાયે કમ ન ગણાય.

ચાર ધામની કે લેહ-લડાખ જેવા દુર્ગમ પ્રદેશોની મુસાફરી કરી હોય તેમને ખબર છે કે, તે કેવી ગંભીર અને જોખમી યાત્રા છે. આ રસ્‍તા પર આપણને લઈ જતાં બસના ડ્રાઈવરો કે મોટર-ટેકસી ચાલકોના માથે આ જોખમ હંમેશા લટકતું હોય છે. આરસ્‍તાઓ પર જાનનું જોખમ ઉઠાવનાર ડ્રાયવરોની બહાદુરી સરહદ પર લડતા જવાનો સમકક્ષ જ ગણી શકાય.

આતંકવાદીઓ દ્ધારા જાહેર સ્‍થાનો પર મુકાયેલ જીવતો બોમ્‍બ મળી આવે ત્‍યારે તેને ડીફયુઝ – ન ફુટે તેવો – કરી દેવા માટેની બોમ્‍બ ડીફયુઝલ સ્‍કવોડના બહાદુરો કે પુર-અતિ વૃષ્‍ટિના સમયે હોનારતમાં ફસાય ગયેલ લોકોના જીવ બચાવવા પોતાની જીંદગી હથેળીમાં રાખી ફરજ બજાવતા ડીઝાસ્‍ટર ફોર્સના જવાનોની કામગીરીનું મૂલ્‍ય સરહદ પર લડતાં સૈનિકો જેટલું જ ગણાય. તેમની ફરજ બજાવતાં પોતાનો જીવ ખોય બેસે તો તેની શહીદીનું મૂલ્‍ય જરાપણ ઓછું ન ગણાય.

આવા તો અનેક ઉદાહરણો આપણને આપણી રોજબરોજની જીંદગીમાં મળે છે પણ તેમને જોવાની અને બિરદાવવાની તસ્‍દી આપણે લેતા નથી. ફરજ દરમ્‍યાન તેમનું અકસ્‍માતે મોત થાય તો તેમને શ્રઘ્‍ધાંજલી આપવાનું પણ આપણને યાદ આવતું નથી. શહીદ સૈનિકો પરનો આપણે બતાવેલ  લાગણીઓ અને સહાનુભુતિ કયારેક આવા ગુમનામ અને ઓછા જાણીતા લોકો માટે પણ બતાવીએ. તેમ ભાજપ અગ્રણી ડો. ભરત કાનાબારે એક નિવેદનમાં જણાવેલ છે.

error: Content is protected !!